Latest News Gujarat : ‘પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ સંસ્થાના પ્રમુખ અને સમાજસેવક પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી ‘પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ સંસ્થાના પ્રમુખ અને સમાજસેવક પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ફરિયાદી પોતાની કાર લઈને ઓફિસથી ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે બળિયાલીમડી સર્કલ પાસે દારૂ પીધેલી હાલતમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ તેમની કાર રોકીને હંગામો મચાવ્યો હતો.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી અને તેમનો પુત્ર આશુતોષ જ્યારે સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તા વચ્ચે આવી ગયેલા આ શખ્સોએ કોઈ પણ કારણ વગર બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફરિયાદીએ કાર નીચે ઉતરીને પૂછપરછ કરી, ત્યારે ઉશ્કેરાયેલા ત્રણેય ઇસમોએ તેમની સાથે છૂટા હાથની મારામારી કરી હતી. મામલો બિચકતા ફરિયાદીના પુત્રએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરતા પોલીસની ગાડી આવતા જ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જો કે નોંધવા જેવી બાબત એ છે કે આ ઘટના 25 જાન્યુઆરીની રાતે બની હોવા છતાં એની ફરિયાદ 10 દિવસ બાદ નોંધવવામાં આવી હતી. ફરિયાદીએ કહ્યું હતું કે આ બનાવ સમયે અન્ય જરૂરી કામ હોવાથી ફરિયાદી ફરિયાદ નોંધાવી શક્યા નહોતા, પરંતુ હવે તેમણે આ ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી.

 

error: Content is protected !!