Latest News: ગ્રામ પંચાયતના સરપંચના પતિ રૂ. 1.10 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકી ACB ના સફળ છટકામાં રૂ. 1.10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.

ACBના જણાવ્યા અનુસાર, ફરિયાદીને ધરપડા ગામના તળાવમાંથી માટી ઉપાડવા માટે જરૂરી કાર્યવાહી કરાવવાના બદલામાં આરોપીએ રૂ. 1.10 લાખની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે ACB દ્વારા ગોઠવાયેલા છટકા દરમિયાન જૂના ડીસા નજીક ઢુવા ચોકડી ખાતે આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 1.10 લાખની લાંચ સ્વીકારી હતી. ત્યારબાદ ACBની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડી લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી.

આ કાર્યવાહી બનાસકાંઠા ACBના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. જોષીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક કે.એચ. ગોહિલે કર્યું હતું. આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!