સુરતમાં રહેતા ડો. એસ. કુમારે ઈફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી સ્વાસ્થ્ય કવચ નામનો રૂ. ૫ લાખ કવર કરતો મેડીક્લેઇમ ખરીદ્યો હતો. ડો. કુમાર છ વર્ષથી સમયસર મેડીક્લેઈમ ભરતા હતા. દરમિયાન સને-૨૦૧૬માં તેઓને સતત માથામાં દુખાવો અને વોમિટિંગની બીમારી થઇ હતી. આ માટે સુરતના ડોક્ટરની સલાહ બાદ મુંબઇની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતા તેઓને ત્યાં જુદા જુદા રિપોર્ટ કરીને દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજિત ૭ દિવસ સુધી દાખલ રહ્યા બાદ ડો. કુમારને રજા અપાઈ હતી અને સારવાર પાછળ રૂ. ૫.૯૧ લાખનો ખર્ચ થયો હતો. ત્યારબાદ ડો. કુમારે વીમા કંપની પાસેથી પ લાખનો ક્લેઈમ માંગ્યો હતો પરંતુ વીમા કંપનીએ ડો. કુમારને જે બીમારી હતી તે જન્મજાત બીમારી હોવાનું કારણ રજૂ કરીને ક્લેઈમ રદ કરી દીધો હતો. જેને લઈને ડો. કુમારે વકીલ પ્રાચી અર્પિત દેસાઈ અને ઇશાન શ્રેયસ દેસાઈ મારફતે સુરતની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક કોર્ટના એડિશનલ પ્રમુખ કે.જે.દર્શોદી તેમજ સભ્ય પૂર્વીબેન જોષીએ બંને પક્ષોની દલીલો બાદ ડો. કુમારની અરજી મંજૂર કરી હતી અને ફરિયાદ દાખલ થયાની તારીખથી રૂ.૫ લાખનો ક્લેઇમ ૭ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા માટે વીમા કંપનીને આદેશ કર્યો હતો.
