સુરત શહેરના કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતેશભાઇ કંચનવાલા પાલિકાના કતારગામ ઝોનમાં કલાર્ક છે. તેમના પત્ની હિરલબેન પણ કતારગામ ઝોનમાં કલાર્ક છે. પ્લોટ વેચાણના અને પગારની બચતના મળી ૧૧ લાખ બેડના ખાનામાં મૂક્યા હતા. જેમાં ૫૦૦ના દરના ૨૨ બંડલો હતો. બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની ૧૨ ગ્રામની ચેઈન અને ૩ ગ્રામનું સોનાનું પેન્ડન્ટ હતું. ગત તા.૨૭મી જુલાઇએ બેડમાં તપાસ કરતા ૧૧ લાખ અને ઘરેણાં મળ્યા ન હતા.
ઘરમાં વિવેકનો મિત્ર કેયૂર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેયૂરે ગોવા હોવાની વાત કરી રોકડ-દાગીના મામલે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. આખરે કેયૂરની સામે ફરિયાદ કરાતાં પોલીસે કેયૂર ઉર્ફે લાલુ શૈલેષ પટેલ (રહે. હનુમાન મહોલ્લો,બાળાશ્રમ સ્કૂલ પાસે, કતારગામ)ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કેયૂર ઐયાશ જીવન જીવે છે. મિત્રના ઘરમાં લાખોનો હાથફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો. ગોવામાં કેશિનો, પબમાં શરાબ-શબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતા.