ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026 ના રોજ વહેલી સવારે લગભગ 3 વાગ્યે એક ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે પરિજનોના દાવા મુજબ હજુ પણ 20 જેટલા લોકો લાપતા છે.
આગ લાગતાની સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 15 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ગોડાઉન અત્યંત સાંકડી ગલીમાં હોવાથી ફાયર ફાઇટર્સને અંદર પહોંચવામાં અને પાણીની પાઈપો લંબાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. આગ એટલી વિકરાળ હતી કે તે જોતજોતામાં બાજુના બીજા ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે આગ લાગી ત્યારે ગોડાઉનના દરવાજા બહારથી બંધ હતા. અંદર કામ કરતા શ્રમિકો અને સિક્યોરિટી ગાર્ડ્સને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. ગેસ કટર વડે દરવાજા કાપીને ફાયર ફાઇટર્સ અંદર પ્રવેશ્યા ત્યારે બે મૃતદેહો મળી આવ્યા હતા.રાજ્યના ઊર્જા મંત્રી અરુપ બિસ્વાસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પીડિતોને આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે હાલ પ્રાથમિકતા બચાવ કાર્યની છે અને આ સમયે રાજકારણ કરવાને બદલે તંત્રને કામ કરવા દેવું જોઈએ. આગ લાગવાનું સચોટ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં જોડાઈ છે.





