Latest News : અંતિમ શ્વાસ સુધીની સજા ભોગવતા નવસારી પોક્સોના કેદીનું મોત

લાજપોર જેલમાં નવસારીના દુષ્કર્મ કેસમાં અંતિમ શ્વાસ સુધીની સજા ભોગવતા કેદીને ખભાના દુઃખાવાની ફરિયાદ સાથે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું છે. મૃતક કેદીનું ફોરેન્સિક પીએમ થશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નવસારીના ધારીગીરી ગામના અને હાલમાં લાજપોર જેલમાં અંતિમ શ્વાસ સુધીની સજા ભોગવતા કેદી ૩૦ વર્ષીય સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાઈનીને રવિવારે સવારે ખંભામાં દુખાવો થતો હોવાથી પ્રથમ જેલમાં જ તબીબ પાસે સારવાર આપવામાં આવી હતી.

બાદમાં વધુ સારવાર માટે તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. કેદીના મોત અંગે સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દશેરા ટેકરીમાં રહેતા પરિવારની ૧૨ વર્ષ સગીરાને વર્ષ ૨૦૨૧માં યુપીના ગોંડાનો અને નવસારીમાં રહેતો સદ્દામ હુસેન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાઈની પરિણીત હોવા છતાં લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. માતા દ્વારા આ અંગેની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી. જેમાં નવસારી ગ્રામ્ય પોલીસે માતાની ફરિયાદ પર આરોપી અને પીડિતા સગીરાને ૧૮મા દિવસે યુપીથી શોધી લાવી હતી. જેમાં આરોપી ઈરફાન પરિણીત હોવા છતાં બાળાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને અનેકવાર સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. તેથી નવસારી ગ્રામ્ય પોલીસે અપહરણ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી આરોપીને જેલમાં ધકેલ્યો હતો.બાદમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.

error: Content is protected !!