નવસારી : નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુનાખોરી અટકાવવા માટે બહાર પાડવામાં આવેલ સી.સી.ટી.વી. (CCTV) કેમેરા લગાવવાના જાહેરનામાનો કડક અમલ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે. ગણદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાહેરનામાનું ઉલ્લંઘન કરતા બે અલગ-અલગ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડીને જિલ્લામાં ધાડ, લૂંટ અને ચોરી જેવા ગુનાઓ રોકવા માટે તમામ વ્યાપારી સંસ્થાઓ, શોપિંગ મોલ્સ અને નાણાકીય સંસ્થાઓને સી.સી.ટી.વી. કેમેરા લગાવવા આદેશ કરવામાં આવ્યો હતો. આ જાહેરનામું ૧ મે ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ સુધી અમલમાં છે. તા.૧૪મી ના સાંજે ગણદેવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભાટ મહોલ્લામાં આવેલ જલારામ વેલ્ડિંગ વર્કશોપના માલિક દિલીપભાઈ નટવરલાલ પાંચાલ (ઉ.વ.૬૨) એ પોતાની સંસ્થામાં કેમેરા રાખ્યા ન હોવાનું બહાર આવ્યું હતું તેમજ ધનોરીનાકા પાસે આવેલી દુકાનના માલિક ફૈયાઝ કાશમ મુઝાવર (ઉ.વ.૨૩) એ પણ જાહેરનામા મુજબ કેમેરા લગાવ્યા નહોતા. ગણદેવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે આ બંને કિસ્સામાં સરકાર તરફથી ફરિયાદી બની ગુનો નોંધાવ્યો છે. પોલીસે બંને વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસની આ કાર્યવાહીથી નિયમોનું પાલન ન કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.





