થાણે જિલ્લાની વિશેષ કોર્ટે 2017માં ફાયરિંગ અને લૂંટના પ્રયાસના કેસમાં પુરાવાના અભાવે નવ જણને નિર્દોષ જાહેર કર્યા હતા.વિશેષ જજ વી.જી. મોહિતેએ ભારતીય દંડસંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 395 (લૂંટ) અને 397 તેમ જ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ)ની સુસંગત જોગવાઇઓ હેઠળના આરોપમાંથી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
તપાસકર્તા પક્ષે આરોપ કર્યો હતો કે 22 જુલાઇ, 2017ના રોજ આરોપીઓએ ભિવંડીમાં વાઇન શોપની સાત લાખની રોકડ લઇને જતી જીપને આંતરી હતી અને તેના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ત્રણ કર્મચારી ઘાયલ થયા હતા, જ્યારે ડ્રાઇવર ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો.કોર્ટને આરોપીઓને ગુના સાથે જોડતા પુરાવા અપૂરતા લાગ્યા હતા. કોર્ટે સાક્ષીદારોની જુબાનીમાં વિસંગતિઓ નોંધી હતી.કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપીઓને ઘાયલ વ્યક્તિઓના હાથમાંથી રોકડ રકમ ભરેલી બેગ છીનવી લેવાની તક મળી નહોતી અને વાહનમાંથી કોઇ રૂપિયા ચોરાયા નહોતા. (પીટીઆઇ)




