તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિ ને રાજ્યમાં ભૂતકાળમાં થયેલા હિન્દી વિરોધી આંદોલન દરમિયાન પોતાના પ્રાણોનું બલિદાન આપનાર “ભાષા શહીદો”ને શ્રદ્ધાંજલિ આપી હતી. એમ.કે. સ્ટાલિને સ્પષ્ટ કર્યું કે જે રાજ્ય પોતાની ભાષાને જીવન જેટલો પ્રેમ કરે છે, તેણે હિન્દી ભાષા લાદવાની સામે એકતાપૂર્વક સંઘર્ષ કર્યો છે અને જ્યારે પણ હિન્દી લાદવામાં આવી, ત્યારે એ જ તીવ્રતાથી વિરોધ નોંધાવ્યો છે.
તમિલનાડુમાં હિન્દી ભાષા માટે કોઈ સ્થાન નથી. હિન્દી માટે અગાઉ પણ નહીં, આજે પણ નહીં અને ક્યારેય નહીં. તમિલ માતૃભાષા માટે પોતાના અમૂલ્ય પ્રાણો અર્પણ કરનાર શહીદોને હું કૃતજ્ઞતાપૂર્વક નમન કરું છું. ભાષાની લડાઈમાં હવે કોઈના પ્રાણ જશે નહીં. તમિલ પ્રત્યેનો આપણો પ્રેમ ક્યારેય નશવર નહીં થાય! અમે હિન્દી લાદવાનો સદાય વિરોધ કરીશું.





