ઇવેન્ટ મેનેજરના સંચાલક પાસેથી આરટીઓમાં પગપેસારો કરી ચૂકેલા રાજુ શાહે ખંડણી પેટે રૂા.૧૭ હજારની માંગ કરીને મેનેજરને વારંવાર ધમકાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. અડાજણ પોલીસે ઈવેન્ટ મેનેજરની ફરિયાદના આધારે આરટીઓ એજન્ટ રાજુ શાહની ધરપકડ કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે અડાજણ પોલીસના જણાવ્યા મુજબ પ્રાઈમ આર્કેડની સામે સમરત કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ જયેશભાઈ પચ્છીગર ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તા. ૧૦ જુલાઇના રોજ સવારે કાર લઈને પાલ એરિયામાં આવેલ આરટીઓ કચેરી ખાતેના દરવાજા-૨ પાસે ઊભા હતા. દરમિયાન આરટીઓ કચેરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી કારભાર સંભાળતા હોવાથી રાજુ શાહે પાર્થને ઊભો રાખીને જણાવેલ કે તું આરટીઓ કચેરીમાં બહુ આવે છે અને અમને મળ્યા વિના જતો રહે છે. તને ખબર નથી હું કોણ છું? મને હપ્તો આપવો પડશે, નહીંતર તને અહીં આવવું ભારે પડશે. જેના પગલે ગભરાયેલા પાર્થે રાજુ શાહને પૂછ્યું કે કેટલા પૈસા આપવા પડશે. એ સમયે પાર્થ પાસેથી રૂ. ૫૦૦ પડાવ્યા હતા. એ પછી ક્રમશઃ યેનકેન પ્રકારે રાજુ નાણાકીય માંગણી કરતો હતો, તેમજ અત્યાર સુધીમાં પાર્થ પાસેથી કુલ રૂ. ૧૭,૦૦૦ની રકમ પડાવી પાડવામાં આવી હતી.
આ બાબતે પાર્થે રાજુ શાહની વિરુદ્ધ નોંધાવી હતી. અડાજણ પોલીસે ગેરકાયદે નાણાકીય વસૂલાત કરવા મામલે ગુનો નોંધીને જય જિનેન્દ્ર કોર્પોરેશન ડ્રાઇવિંગ સ્કૂલ અને મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસો.ના પ્રમુખ રાજેશ ઉર્ફે રાજુ કાંતિલાલ શાહ (રહે. આદેશ્વર આવાસ, લાલ બંગલો, અઠવાલાઈન્સ)ની ધરપકડ કરી છે,પોલીસના જણાવ્યા પ્રમાણે અનેક સામાજીક કામ સાથે સંકળાયેલા પાર્થ પચ્ચીગરે થોડા રૂપિયા આપી દીધા બાદ બધુ ભૂલી ગયો હતો, પરંતુ રાજુ શાહ દ્વારા વધારે રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાથી તે સતત ચિંતામાં રહેતો હતો. આ દરમિયાન પાર્થના મિત્રોને આ બાબતે જાણ થઈ હતી. આ સાથે જ પોતાના મિત્રવર્તુળ અને સમાજસેવા સાથે જોડાયેલા અનેક લોકોએ પાર્થને હિંમત આપીને ફરિયાદ કરવાનું કહ્યું હોવાથી પાર્થે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે રાજુ શાહની ધરપકડ કરી હતી અને તેની કડક પુછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.