મુલુંડ પૂર્વમાં બનેલી આંચકાજનક ઘટનામાં સાયબર ઠગ ટોળકીએ નિવૃત્ત બૅન્ક મૅનેજર અને તેમના પરિવારને ખાસ્સા 35 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ની સ્થિતિમાં રાખ્યો હતો. ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ, ક્રાઈમ બ્રાન્ચ અને સીબીઆઈના અધિકારી તેમ જ આઈપીએસ ઑફિસરના સ્વાંગમાં મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી તેમ જ જાનનું જોખમ દેખાડી આરોપીઓએ આ પરિવાર પાસેથી 1.83 કરોડ રૂપિયા પડાવ્યા હતા.
આ પ્રકરણે મુલુંડમાં રહેતા સિનિયર સિટીઝને નોંધાવેલી ફરિયાદને આધારે ઈસ્ટ રિજન સાયબર પોલીસે ચાર અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી એક રાષ્ટ્રીયકૃત બૅન્કમાં મૅનેજર હતા અને તેમણે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેમનો દીકરો વિદેશમાં નોકરી કરે છે તો ફરિયાદી મુલુંડ પૂર્વમાં પત્ની અને દીકરી સાથે રહે છે. સાતમી જાન્યુઆરી, 2026ના રોજ ફરિયાદીને એક મહિલાએ કૉલ કર્યો હતો અને તેમના આધાર કાર્ડ પર એક સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી.એ સિમ કાર્ડ પરથી ઘાટકોપરના એક રહેવાસીને ગેરકાયદે અને હેરેસમેન્ટના મેસેજ કરવામાં આવ્યા હોવાથી ફરિયાદી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હોવાનો દાવો મહિલાએ કર્યો હતો.
પ્રાથમિક માહિતી આપીને મહિલાએ કૉલ ક્રાઈમ બ્રાન્ચ અને પછી સીબીઆઈમાં ટ્રાન્સફર કર્યો હતો. એક આરોપીએ પોતાની ઓળખ આઈપીએસ અધિકારી જય પ્રભાકર ચૌગુલે તરીકે આપી ફરિયાદીનો આધાર નંબર ક્રિમિનલ લિસ્ટમાં હોઈ મની લોન્ડરિંગ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો હોવાનો દાવો કર્યો હતો.આ બધી વાત પર ફરિયાદીને વિશ્ર્વાસ બેસે તે માટે આરોપીએ સુપ્રીમ કોર્ટ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ના નામ અને લોગોવાળા બોગસ દસ્તાવેજો ફરિયાદીના મોબાઈલ પર મોકલાવ્યા હતા. સાયબર ઠગે ચેતવણી આપી હતી કે આ બધી તપાસ ‘ટૉપ સિક્રેટ’ હોવાથી કોઈ પણ વ્યક્તિ સાથે ચર્ચા કરી તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.તપાસનું બહાનું કરીને આરોપીએ ફરિયાદી, તેમની પત્ની અને પુત્રીને તેમના ઘરના જ એક રૂમમાં પુરાઈ રહેવાની સૂચના આપી હતી અને દર બે કલાકે રિપોર્ટ કરવાનું જણાવ્યું હતું. પરિવાર પર નજર રાખવા માટે પત્નીના મોબાઈલ ફોન પર સતત વીડિયો કૉલ ચાલુ રાખવામાં આવ્યો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદ અનુસાર 14 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન આરોપીએ આપેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં ફરિયાદીએ 1.83 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. નાણાંની વ્યવસ્થા કરવા માટે ફરિયાદીને તેમની ફિક્સ ડિપોઝિટ તોડવાની, સોનાના દાગીના ગિરવે મૂકવાની અને શૅર્સ વેચવાની ફરજ પડાઈ હતી. એ સિવાય સમયાંતરે ફરિયાદીને જાનના જોખમની ધમકી આપવામાં આવતી હતી.આરોપીઓએ 11 ફેબ્રુઆરીથી અચાનક કૉલ કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ બુધવારે સાયબર હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે ગુરુવારે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.





