પ્રવાસન ધામ સાપુતારાના જાણીતા સનસેટ પોઈન્ટ પાસે ટેબલ લગાવી જમરૂખ વેચવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે મહિલા પર લોખંડના સળિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સાપુતારા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, માલેગામના રહેવાસી પારીબેન સુરેશભાઈ ભોયે છેલ્લા એક અઠવાડિયાથી સાપુતારા સનસેટ પોઈન્ટ પર જમ્પિંગની બાજુમાં ટેબલ લગાવી જમરૂખ વેચવાનો વ્યવસાય કરે છે. ગત શનિવાર, ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૫:૩૦ કલાકે તેઓ પોતાના વેપાર પર હતા, ત્યારે તેમના જ સંબંધી દિનેશભાઈ ચંદરભાઈ ભોયે (રહે.માલેગામ) ત્યાં ધસી આવ્યા હતા.આરોપી દિનેશે “આ જગ્યા મારી છે, અહીં તમારે ટેબલ લગાવવું નહીં” તેમ કહી પારીબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પારીબેને ખાલી જગ્યા હોવાથી ત્યાં વેપાર કરવાનું ચાલુ રાખવાની વાત કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળાગાળી કરી ટેબલનો લોખંડનો સળિયો કાઢી પારીબેનની પીઠના ભાગે બે સપાટા મારી દીધા હતા. બચાવ કરવા જતા મહિલાને હાથના ભાગે પણ મૂંઢ ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દોડી આવતા વધુ માર ખાતા બચાવ થયો હતો, પરંતુ જતી વખતે આરોપીએ “જો હવે અહીં ટેબલ મુકશો તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત પારીબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ઇજાગ્રસ્તના પુત્ર સોમનાથભાઈ સુરેશભાઈ ભોયેએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.





