ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATSએ નવસારીના ફૈઝાન અબુબકર મલેકની ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે. ફૈઝાન આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો અને ભારતના ભૌગોલિક અખંડિતતા પર પ્રહાર કરવાની તૈયારીમાં હતો.
મળતી માહિતી પ્રમાણે તપાસમાં ખુલાસો થયો છે કે ફૈઝાન લોન વુલ્ફ એટેક કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ પ્રકારના હુમલામાં કોઇ પણ આતંકી સંગઠનની પ્રત્યક્ષ મદદ વગર વ્યક્તિ એકલો જ હથિયાર કે અન્ય માધ્યમથી ભીડભાડ વાળી જગ્યાએ હુમલો કરે છે, જેને ટ્રેક કરવું સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. ફૈઝાન નવસારી અને આસપાસના વિસ્તારોમાં મુસ્લિમ યુવકોને હિન્દુઓ પ્રત્યે ઉશ્કેરી રહ્યો હતો. તે સોશિયલ મીડિયા અને પર્સનલ મીટિંગ્સ દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવા માટે લોકોને ભડકાવતો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોના મનમાં કટ્ટરતા ભરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં જોડવાનો હતો.ATS હવે એવા તમામ યુવકોની યાદી તૈયાર કરી રહી છે જેઓ છેલ્લા કેટલાક સમયથી ફૈઝાનના સંપર્કમાં હતા. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને મોબાઈલ ડેટાના આધારે તપાસ કરવામાં આવશે કે શું કોઈ અન્ય યુવક પણ આ વિચારધારામાં રંગાયો છે કે કેમ. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.





