અમદાવાદઃ ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદે સંગ્રહ, વેચાણ અને ગેરઉપયોગ સામે આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ-1 અને મહેસાણા જિલ્લામાં કરાયેલી તપાસ દરમિયાન બાલાજી ફાર્મામાંથી Rexton-T Syrupની 37,762 બોટલ, રૂ.83.07 લાખની કિંમતનો જથ્થો મળી આવતા તેને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તપાસમાં ક્ષતિઓ જણાતા પેઢીને કારણદર્શક નોટિસ અપાઈ હતી અને ખુલાસો સંતોષકારક ન જણાતા દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફાર્માલિન લાઇફસાયન્સિસ, રેઇન રેમેડીઝ, કેપિટલ ફાર્મા, HRDM ગ્લોબલ સોલ્યુશન્સ, જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ અને કૃષ્ણા ફાર્મા સહિતની પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ છે. જેમાંથી એક પેઢી પાસેથી કોડીનયુક્ત R Tuss TD Syrupની 57 બોટલ મળી આવી હતી. કુલ 7 પેઢીઓને કારણદર્શક નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોગ્યમંત્રી રિવાબા પાનશેરીયાએ જણાવ્યું હતું કે કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે ઉપયોગ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર માર્ગે જ આવી દવાઓનો ઉપયોગ થાય તે માટે રાજ્યભરમાં તપાસ અને દેખરેખ ચાલુ રહેશે.





