માંડવીના અમલસાડી ગામમાં આજે એક ગંભીર ઘટના બની છે. ગામમાં યોજાયેલી ગ્રામસભામાં આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન વિજય પટેલ અને તેમના પત્ની નીલમબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વિજય પટેલ દ્વારા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
માધ્યમો દ્વારા મળતી વિગતો પ્રમાણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગ્રામ પંચાયતમાં મનરેગાની ગ્રાન્ટમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા મલાઈ ખાવામાં આવતી હોવાનો વિજય પટેલે આક્ષેપ કર્યો હતો. આ વાત પરથી પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શંકર ગામીત અને સરપંચ હિતેશ ચૌધરી ઉશ્કેરાઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે શંકર ગામીતે દબંગાઈથી વિજય પટેલ પર હુમલો કર્યો હતો. હુમલામાં વિજય પટેલ અને તેમના પત્નીને ઈજાઓ પહોંચી હતી. વિજય પટેલે આ મામલે તાત્કાલિક માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ ગામમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવી રહ્યા હતા ત્યારે સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્યએ ભેગા મળીને હુમલો કર્યો હતો. આ ઘટનાથી ગામમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.





