Latest News Tapi : સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં ૩૧માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ-૨૦૨૬નો રંગેચંગે પ્રારંભ

સોનગઢ ખાતે ઐતિહાસિક કિલ્લાની તળેટીમાં આવેલ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં આદિવાસી કલા, સંગીત અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, તાપીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૩૧માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ-૨૦૨૬નો રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આદિવાસી વારસો એ ગુજરાતની સાચી ઓળખ, તેને વૈશ્વિક મંચ આપવા સરકાર કટિબદ્ધ: રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, “આદિવાસી સંસ્કૃતિ એ પ્રકૃતિ સાથેના અતૂટ જોડાણનું પ્રતીક છે. સરકાર આવા મહોત્સવો દ્વારા આદિવાસી કલાકારોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. આ ઉત્સવ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણી ભવ્ય વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે નવી પેઢી પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે મજબૂતીથી જોડાયેલી રહે તેવો ઉમદા આશય આ આયોજન પાછળ રહેલો છે. તા. ૧૪ અને ૧૫ એમ બે દિવસીય આ સાંસ્કૃતિક મહાકુંભના પ્રથમ દિવસે જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલીને ઉજાગર કરતી વિવિધ કલા કૃતિઓ, પારંપરિક લોકસંગીત અને નૃત્યોની પ્રસ્તુતિએ ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મહોત્સવમાં આવનાર મુલાકાતીઓ માટે આદિવાસી સંસ્કૃતિના વિવિધ વ્યંજનો પીરસતા ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ્સ’ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ આદિવાસી સમાજના પૌષ્ટિક અને પારંપરિક આહારનો ઉત્સાહભેર રસાસ્વાદ માણ્યો હતો.નોંધનીય છે કે, આ ભવ્ય આયોજન કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા તાપી જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી.

error: Content is protected !!