જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં આજે તાપી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાની તકેદારી સમિતિની બેઠકો, વ્યાજબી ભાવની દુકાન આધારિત વિતરણ વ્યવસ્થા તેમજ તપાસણી, એન.એફ.એસ.એ હેઠળ નવા સમાવવામાં આવેલા રેશન કાર્ડ તેમજ રેશનકાર્ડ ઈ-કેવાયસી જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાગર મોવલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાપી જિલ્લાના નાગરિકોને જુલાઈ અને ઓગસ્ટ મહિના માટે ૯૭ ટકાથી વધુ અનાજ વિતરણ કરી દેવામાં આવ્યું છે. વન નેશન વન રેશન કાર્ડ હેઠળ તાપી જિલ્લામાં ૨૬૬૨ જેટલા અન્ય જિલ્લા અને અન્ય રાજ્યોના રેશન કાર્ડધારકોએ અનાજનો જથ્થો મેળવ્યો છે. નોંધનીય છે કે પુરવઠા તંત્ર દ્વારા તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં નવા ૧૨૧૬ રેશનકાર્ડનો સમાવેશ કરતા વધુ ૪૨૬૭ લાભાર્થીઓને રેશનનો લાભ મળશે. આ ઉપરાંત, જિલ્લામાં ૯૯.૮૩ ટકા એટલે કે ૧.૫૩ લાખ રેશનકાર્ડ ધારકોની ફેસ ઓથેન્ટીકેશન ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરી ૬.૮૧ લાખ પરિવારજનોનો સમાવેશ થયો છે.