વાલોડના ગોલણ ગામની સીમમાં શનિવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી મોટરસાયકલના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક શ્રમિકને જોરદાર ટક્કર મારતા, સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના નવાપુરના ભાદવડ ગામના રહેવાસી નટુભાઈ જેઠીયાભાઇ વસાવા (ઉં.વ. ૫૨) ગોલણ ગામમાં જય સિયારામ પેટ્રોલ પંપની સામે આવેલ ઇંટના ભઠ્ઠા પર મજૂરી કામ કરતા હતા. શનિવારે રાત્રે આશરે સાડા સાત વાગ્યાના સુમારે તેઓ હોટલ પરથી જમવાનું લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે વાલોડથી બુહારી તરફ જતા રસ્તા પર આ અકસ્માત નડ્યો હતો.
હથુકા ગામનો રહેવાસી કમલેશભાઇ મહેશભાઇ ગામીત પોતાની યામાહા મોટરસાયકલ નંબર GJ-26-K-5403 લઈને પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહ્યો હતો. તેણે રસ્તો ક્રોસ કરી રહેલા નટુભાઈને અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત નટુભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાલોડ CHC અને ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક કમલેશ ગામીતને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી છે.ઇંટ ભઠ્ઠાના માલિક ચેતનભાઇ રઘાભાઇ કોકણીની ફરિયાદના આધારે વાલોડ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ PSI શીતલબેન સોલંકીએ હાથ ધરી છે.





