ફોસ્ટર કેર ગાઈડલાઈન-૨૦૧૬ અંતર્ગત તાપી જિલ્લામાં પિતૃસ્નેહથી વંચિત અને ચિલ્ડ્રન હોમમાં આશ્રય લેનારા બાળકોના સંરક્ષણ અને સંવર્ધન માટે પાલક પરિવારો અને જૂથ પાલક સંભાળ સંસ્થાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી દ્વારા મળેલી માહિતી મુજબ પાલક બનવા ઇચ્છુક પતિ-પત્ની કે સંસ્થાઓએ નક્કી કરાયેલ માપદંડો પૂર્ણ કર્યાં બાદ અરજી કરી શકશે.અરજી કરવા ઈચ્છુક અરજદાર પતિ-પત્ની ભારતીય નાગરિક હોવા જોઈએ અને બંનેએ બાળક સંભાળવાનો સંકલ્પ દર્શાવવો જરૂરી છે,બંને પતિ-પત્નીની વય ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ અને તેઓ તંદુરસ્ત હોવા જોઈએ,પરિવાર પાસે પૂરતી આવક, રહેઠાણ અને ચેપી રોગોથી મુક્ત હોવું જોઈએ,કોઇપણ ગુનાહિત રેકોર્ડ વિનાના હોવું જરૂરી છે અને સમાજમાં સકારાત્મક છબી હોવી જોઈએ. જૂથ પાલક સંભાળ (Group Foster Care) માટેના અરજદાર સંસ્થા કાયદેસર રીતે નોંધાયેલ હોવી જોઈએ તથા NITI Aayog પર NGO તરીકે નોંધણી જરૂરી છે.મહત્તમ ૮ બાળકો માટે રહેઠાણ, ગોપનીયતા, રસોડું, બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓ હોવી ફરજિયાત છે.સંભાળકર્તાઓ માટે તબીબી ચકાસણી જરૂરી છે અને તેઓ પણ ગુનાહિત ઇતિહાસ વગર હોવા જોઈએ. આ બને યોજનાઓ માટે પાલક પરિવાર કે જૂથ સંસ્થાને સરકાર તરફથી રૂ.૩,૦૦૦/- પ્રતિ માસના દરે સહાય આપવામાં આવશે. આ સાથે બાળક માટે પણ રૂ.૩,૦૦૦/- પ્રતિ માસ નાણાકીય સહાય મળવાપાત્ર રહેશે. વધુ વિગત માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી બ્લોક નં-૫, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, તા. વ્યારા, જિ.તાપી ખાતે સંપર્ક કરી શકાશે.એમ જિલ્લા બાળ સુરક્ષા એકમની અખબારી યાદીમાં જણાવાયું છે.