સોનગઢના મરીમાતા રોડ પર જૂની અદાવતમાં એક આધેડ પર હિંસક હુમલો થવાની ઘટના સામે આવી છે.૧૦ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો બદલો લેવા માટે બે શખ્સોએ પોલીસ કર્મચારીના પિતા અને સ્થાનિક વેપારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
ફરિયાદી રાજેશભાઈ જયચંદભાઈ થવાણી (ઉં.વ. ૫૭), જેઓ વ્યવસાયે વેપારી છે, તેઓ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૦:૧૫ વાગ્યે પોતાના એપાર્ટમેન્ટ ‘કરતાર પ્લેટીનમ’ નીચે બેઠા હતા. તે સમયે મોટરસાયકલ પર સવાર થઈને આવેલા દેવાંગ ઉર્ફે કાળુ નીતિનભાઈ ઠક્કર અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે તેઓની પાસે આવી ગાળાગાળી શરૂ કરી હતી.
આરોપી દેવાંગે ફરિયાદીને જણાવ્યું હતું કે, “તે દસ વર્ષ અગાઉ મારા બાપની સાથે ઝઘડો કરેલ છે, આજે તેનો બદલો હું પૂરો કરીશ”. આટલું કહીને બંને આરોપીઓએ રાજેશભાઈને નાક, કાન અને માથાના ભાગે ઢીકાપાટુનો ગંભીર માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ ગંદી ગાળો આપી હતી અને જતા-જતા ધમકી આપી હતી કે, “આજે તો તું બચી ગયો છે, પણ જો ફરી ક્યારેય એકલો મળીશ તો જાનથી મારી નાખીશ”.જોકે તે દરમિયાન આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.ઇજાગ્રસ્ત રાજેશભાઈને તાત્કાલિક સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે આ મામલે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





