ઉચ્છલનાં આરકાટીમાં જમીનની તકરારમાં ભાઈ અને તેમના બે પુત્રોએ જ મોટા ભાઈને લાકડાના સપાટા મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હેમરેજ જેવી સ્થિતિમાં લાવી દીધાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં આરકાટી ગામનાં રહીશ મોહનભાઈ વસ્તાભાઈ વળવી (ઉ.વ.૫૫) ગત તારીખ ૨૦/૦૫/૨૦૨૫ નારોજ ખેતરેથી ઘરે આવ્યા હતા. તે દરમિયાન તેમના ભાઈ જયરામભાઈ વેસ્તાભાઈ વળવી તથા બે પુત્રો દયારામભાઈ જયરામભાઈ અને સિતારામભાઈ જયરામભાઈ ઘરે આવીને મોહનભાઈને કહેવા લાગ્યો કે તમે અમારા ભાગની જમીન કેમ ખેડો છો. ત્યારબાદ ત્રણેયે બોલાચાલી કરી હતી.
ઝઘડા દરમિયાન જયરામભાઈએ નજીકમાં પડેલા લાકડા વડે મોહનભાઈને માથાના આગળના ભાગે ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. માથામાંથી લોહી નીકળતા તેઓને સારવાર માટે ૧૦૮ દ્વારા ઉચ્છલ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે રિફર કર્યા હતા. સીટી સ્કેન કરતા જેઓના માથામાં ફ્રેક્ચર તેમજ હેમરેજ હોવાનું બહાર આવતા ગંભીર ઈજા પહોંચાડનાર જયરામભાઈ વળવી તથા તેમના બે પુત્રો દયારામભાઈ અને સિતારામભાઈ સામે પોલીસ મથકે હરીશભાઈ મોહનભાઈ વળવીએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.