Latest news tapi : સોનગઢના ટેમ્કા ખાતે વનપ્રહરી એપ્લિકેશનનું ઉદઘાટન, “ગરુડા”એ એ.આઈ. આધારિત સુરક્ષા પ્રણાલી

રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે સોનગઢના ટેમ્કા ખાતે વનપ્રહરી એપ્લિકેશનનું ઉદઘાટન તેમજ વન પ્રહરી પ્રોજેક્ટ કંટ્રોલરૂમનું નિરીક્ષણ કર્યા બાદ એપ્લિકેશનની વિશેષતાઓ અને ઉત્કૃષ્ટ પરિણામો અંગેની ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. જે બાદ સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે વન પ્રહરી એપ્લિકેશનની સફળતાની વાત કરતા જણાવ્યું કે, દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેક્નોલોજી ક્ષેત્રને વિશેષ મહત્વ આપ્યું છે.

આ પ્રોજેક્ટના ટ્રાયલમાં મળેલા ઉત્તમ પરિણામોને ધ્યાનમાં રાખતા, ગુજરાતભરમાં આ સિસ્ટમને ભવિષ્યમાં વિસ્તૃત કરવામાં આવશે. “ગરુડા”એ એ.આઈ. આધારિત સુરક્ષા પ્રણાલી છે, જે સી.સી.ટી.વી. કેમેરાની મદદથી વાહનના નંબર પ્લેટને સ્કેન કરીને આર.ટી.ઓ. અને ક્રાઇમ ડેટાબેઝ સાથે તેની ચકાસણી કરે છે. જો વાહન શંકાસ્પદ હોય, તો તે ફોરસ્ટ ઓફિસર અને અધિકારીઓને સૂચિત કરશે. આ સિસ્ટમથી લાકડાની ચોરી, વન સંસાધનોનો દુરુપયોગ, વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે વન વિભાગ વધુ સશક્ત બનશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વન્ય પેદાશો, વન્યજીવોની સલામતી અને પર્યાવરણીય જાળવણી છે. આ વન પ્રહરી ગરૂડા પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લા અને આઠ ચેકપોસ્ટ ખાતે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ, એ.એમ.એન.એસ અને એસ.એમ. ટેકનોના સહયોગને બિરદાવી હતી.

વધુમાં ઉમેર્યું હતું કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ હંમેશા ટેક્નોલોજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મુક્યો છે. ત્યારે બદલાતા સમયની સાથે સાથે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણાં વન વિભાગમાં પણ કરવો જરૂરી બન્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવા ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરાનાં માર્ગદર્શન હેઠળ રાજ્યનાં જંગલોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે AI (આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ) આધારીત “વન પ્રહરી” – “ગરૂડા” પ્રોજેક્ટ વન વિભાગ અને AMNSનાં સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે યોગદાન આપનાર સૌને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતનાં જંગલો તો વધુ સુરક્ષિત અને મજબુત બનશે, પણ સાથે સાથે અન્ય ગુન્હાહીત પ્રવૃત્તિઓને રોકવા તથા ઉકેલવામાં પણ આપણને મદદ મળશે. Al ટેકનોલોજી અને ડેટા એનાલીટીક્સનાં ઉપયોગથી ગુજરાત વન વિભાગ એક નવી ઉંચાઇએ પહોંચશે એમ ઉમેર્યું હતું.

અગ્ર મુખ્યવન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર ડો.એ.પી સિંઘે પ્રહારી પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય અને મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ થકી વન્યજીવોના સંરક્ષણ અને વન્યજીવ સંબંધિત ગુનાઓની તુરંત ઓળખ અને પ્રતિસાદ સુનિશ્ચિત કરી શકાશે. આજના ડિઝીટલ ઇન્ડીયાના નવા યુગમાં વ્યારા વન વિભાગ દ્વારા પહેલ કરી વન સંરક્ષણ વન સંવર્ધનમાં ખુબ જ ઉપયોગી વન પ્રહરી એપ્લીકેશન વિકસાવી છે જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વન પ્રહરી એક મેક ઇન ઇન્ડીયા એપ્લીકેશન છે જે ગુજરાતમાં પ્રથમ વ્યારા વન વિભાગમાંથી શરૂઆત કરવામાં આવી છે. જે વ્યારા વન વિભાગ માટે ગૌરવની વાત છે એમ ઉમેર્યું હતું. આ પ્રસંગે વન્ય ક્ષેત્રે વિવિધ કામગીરી કરેલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!