કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશની કતલ કરવાના ઈરાદે અતિક્રૂરતાપૂર્વક આંતરરાજ્ય ગેરકાયદે હેરાફેરી કરવાના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે બોબડો યાકુબ કુરેશી (રહે. અક્કલકુવા, મહારાષ્ટ્ર) ની કુકરમુંડા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ અને તેમની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. આ ગુનામાં આરોપીઓએ ટેમ્પા નંબર- MH-19-CX-0061 માં કતલખાને લઈ જવાના ઈરાદે રૂ.70 હજારની કિંમતની ૭ ગાયોને ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા વિના, અતિક્રૂરતાપૂર્વક ટૂંકી દોરીઓથી બાંધીને ખીચોખીચ ભરી હતી.આ ગુના સંદર્ભે પોલીસે અગાઉ રહીમુદ્દિન સરફુદ્દિન શેખ (રહે. ધુલીયા, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરેલી છે, જ્યારે શાહરૂખ ઉર્ફે બોબડો વોન્ટેડ હતો.
આ આરોપી મહારાષ્ટ્રના શાહદા પોલીસ સ્ટેશનના અન્ય એક ગુનામાં પકડાયો હોવાની માહિતી મળતા, પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી તેનો કબ્જો લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હજુ અન્ય બે આરોપીઓ મોસીન કુરેશી અને નદીમ કુરેશી (બંને રહે. ધુલીયા) વોન્ટેડ છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





