Latest news tapi : પ્રાકૃતિક ખેતીથી શાકભાજી ઉગાડી લોકોને રોગમાંથી ઉગારવા બેડકુઆના મંગુભાઈનું લક્ષ્ય

આવનારી પેઢી સુખી સંપન્ન થાય તેમજ લોકોને શુદ્ધ, તાજુ અને સ્વાસ્થપ્રદ શાકભાજી મળી તે માટે મેં તો પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ શબ્દો છે તાપી જિલ્લાના બેડકુવા પાસે રહેતા મંગુભાઈ ગામીતના. જેઓ છેલ્લા ૬૦ વર્ષથી ખેતી કરે છે, પરંતુ છેલ્લા ૭ વર્ષથી તેઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ૨૦૧૧-૧૨માં તેમને ગૌ સંવર્ધન ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૫૧ હજારનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ ૨૦૧૮માં આત્મા સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યારથી તેમણે રાસાયણિક ખેતી કરવાની છોડી દીધી. અત્યારે તેઓ પોતાની ૧.૭૫ વીઘા જમીન પર લીલી ચોળી, ટમેટા, રીંગણ, મરચા જેવા પાકોની ખેતી કરે છે.

મંગુભાઈ જણાવે છે કે ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે જે નાખવાથી ઈયળો પર નિયંત્રણ લાવી શકાય છે. પ્રાકૃતિક રીતે ઉગેલા શાકભાજીના ગુણગાન જણાવતા તેઓ ઉમેરે છે કે પહેલા તેઓ જિલ્લા સેવા સદન પર શાકભાજી સ્ટોલમાં શાકભાજી સપ્લાય કરતા હતા, પરંતુ હવે તેમની શાકભાજી ત્યાં જ લોકલ માર્કેટમાં વેચાણ થઈ જાય છે. તેઓ જણાવે છે કે સૌ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, કેમ કે રાસાયણિક ખેતીથી પાકેલ ઉપજનો સ્વાદ ખતમ થઈ જાય છે, અસંખ્ય રોગ આપણા ખોરાકમાંથી જ ઉત્પન થાય છે.નોંધનીય છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે ત્યારે તાપી જિલ્લાના દરેક ખેડૂતમિત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવી મંગુભાઈએ ઈચ્છા વ્યક્ત કરી હતી.

error: Content is protected !!