તાપી જિલ્લા માંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે,વ્યારાના જેસીંગપુરા ગામે આજરોજ વીજ કરંટ લાગવાને કારણે માતા અને પુત્રીના મોતથી સમગ્રપંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામના ગોદી ફળિયામાં રહેતા ૫૮ વર્ષીય કૈલાશબેન ગામીત અને તેમની ૩૫ વર્ષીય દિકરી ધનગૌરીબેન ગામીત કપડા સુકવવા જતા મોતને ભેટ્યા હતાં.ઘટના જાણે એમ છેકે, પોતાના ઘરમાં ઢોર બાંધવા માટેના કોઢારના છતમાં લગાવેલી લોખંડની પાઇપ સાથે લોખંડનો તાર બાંધેલો હતો.
આ લોખંડના પાઇપ સાથે બીજો એક આડો લોખંડનો પાઇપ લગાડેલો હતો, આ પાઇપમાં પંખો લગાવેલો હતો, પંખાના વાયર માંથી આકસ્મિક રીતે કરંટ તારમાં ઉતરતા કપડા સુકવવા જતાં માતા અને દિકરી બંન્નેને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું.
માતા પુત્રીના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.બંનેના મૃતદેહને વ્યારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતા.