વ્યારા તાલુકાના બાલપુર ગામે મળસ્કે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરી રહેલી એક બોલેરો પીકઅપ ગાડી ઘર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા ૯ પશુઓ પૈકી એક ગાયનું મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત બાદ ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો અનુસાર ગૌરક્ષકોને બાતમી મળી હતી કે વાંદરદેવી ગામથી બાલપુર તરફ એક શંકાસ્પદ પીકઅપ ગાડી પશુઓ ભરીને કતલખાને જઈ રહી છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમે તા.૧૪/૦૩/૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૪:૦૦ વાગ્યાના અરસામાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબની મહિન્દ્રા બોલેરો પીકઅપ નંબર: MH-05-R-8297 આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. જોકે, ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી.ઝડપ વધુ હોવાને કારણે ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રસ્તાની બાજુમાં આવેલ દાદરી ફળીયાના એક ઘરમાં ઘુસી ગઈ હતી. અકસ્માતને પગલે ઘરને પણ નુકસાન પહોંચ્યું છે.પોલીસ અને ગૌરક્ષકોએ તપાસ કરતા ગાડીમાં ૦૫ ગાય અને ૦૪ વાછરડાને અત્યંત નિર્દયતાથી ટૂંકી દોરી વડે બાંધવામાં આવ્યા હતા જયારે ૧ ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.વ્યારા પોલીસે આ મામલે તુષારભાઈ કરશનભાઈ ભંડેરીની ફરિયાદના આધારે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




