નિઝર તાલુકાના વિસ્તારમાં ખેડુતોના ખેતરોમાંથી મોટર-કેબલની ચોરીના બનાવ અંગે ફરિયાદ થઈ હતી. જે ચોર ટોળકીને ઝબ્બે કરવામાં પોલીસને સફળતા મળી છે, ત્રણ આરોપીઓને રૂ.૨૪ હજારના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાં તથા અંતુર્લી ગામની સીમમાં ખેતરોમાં કરેલા પાકમાં પાણી વાળવા માટે તાપી નદીના કિનારા ઉપર મુકેલ ૫ મોટરોની ચોરી ગત્ તા.૨૦, ૨૧ જાન્યુઆરીના રોજ થઇ હતી. કોઇ અજાણ્યા ચોર ઇસમો મોટરોમાં રહેલા તાંબાના તારની વાઈડીંગ (કોઇલ) આશરે ૩૦ કિલોગ્રામ રૂ.૩૦,૦૦૦/- તથા અંતુર્લી ગામના ખેડુતના અલગ-અલગ ખેતરોમાંથી તાંબાના ઈલેકટ્રીક કેબલ વાયર આશરે ૬૮૦ મીટર આશરે રૂ.૧૩૬૦૦ મળી કુલ રૂ.૪,૩૬૦૦/- ના મત્તાની ચોરી ગયાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાઈ હતી.
નિઝર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે વાંકા ગામ તરફથી ત્રણ ઇસમો પ્લાસ્ટિકની બેગમાં કેબલ રાખી નંદુરબાર ખાતે વેચવા જાય છે. જેથી પોલીસે વોચ ગોઠવી ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. ચોરીમાં સંડોવાયેલા લક્ષ્મણભાઈ હશરથભાઈ ભીલ (રહે. બાલદા, પ્લોટ વિસ્તાર, તા. કુકરમુંડા), ગણેશભાઈ ભગુભાઈ પાડવી (રહે. વાંકા ગામ આદિવાસી ફળીયું, તા. નિઝર), આકાશભાઇ રાજુભાઈ નરભંવર (રહે. વાંકા ગામ આંબેડકર ફળીયું, તા.નિઝર)ની પોલીસે ધરપકડ કરી. ત્રણેય ઇસમો પાસેથી ૧૫ કિલો તાંબાના તાર રૂ.૧૫,૦૦૦/- પાણીની એક મોટર રૂ.૭,૦૦૦/- તથા ૧૦૦ મીટર કેબલ રૂ.૨૦૦૦/-મળી કુલ રૂ.૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.





