વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશન હેઠળ આવતા લોટરવા ગામ પાસે ગત રવિવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાયણથી સોલાર પેનલના ૨૩ બોક્સ ભરીને લોટરવા પ્લાન્ટ પર જઈ રહેલું ટ્રેલર સાંકડા રસ્તા પર ચાલકની ગફલતના કારણે પલટી મારી ગયું હતું. મળતી વિગતો પ્રમાણે સુરતના ઓલપાડ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટ બ્રોકર તરીકે કામ કરતા મહમદ મુઅઝ્ઝમ ઇદરીશ સીદ્દિકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ બપોરે આ અકસ્માત થયો હતો.
ટ્રેલર નંબર જીજે/૦૬/એયુ/૪૪૭૫ ના ચાલક વિનોદ જયનારાયણ યાદવે સાંકડા રસ્તા પર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ટ્રેલર પલ્ટી ખવડાવી દીધું હતું.આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી,પરંતુ ટ્રેલરમાં ભરેલી કાચની મોંઘી સોલાર પ્લેટોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. એક અંદાજ મુજબ, આ અકસ્માતમાં ૧ લાખ રૂપિયાથી વધુની મત્તાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. કાકરાપાર પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ હેઠળ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





