સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં અગાઉ થયેલી હત્યા કેસની ફરિયાદ પાછી ખેંચવા માટે સહેજાદ અને એઝાઝે ફરીવાર આતંક મચાવ્યો હતો. હત્યા કેસમાં જામીન ઉપર છૂટેલા હત્યારાઓએ ફરિયાદીના ગળે ચાકુ મૂકી રૂ.૫૦ હજારની માંગણી કરી હતી, જે નહીં આપતા પાંચ હજારની રકમ લૂંટી લઈને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવના પગલે રાંદેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો અનુસાર શહેરનાં ચોકબજાર-ધાસ્તીપુરા વરિયાવી બજારમાં રહેતા વસીમ મહેબુબ પટેલ હીંચકાના કડા ફિટ કરવાનો ધંધો કરે છે. ગત તા.૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ જલેબી તુરશા પીરની મસ્જિદ પાસે પાણીની લાઈન ફિટિંગ કરવાના બાબતે થયેલા ઝઘડામાં સહેજાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમીન અને એઝાઝ ફારૂક મોમીને વસીમના ભાઈ અફઝલની હત્યા કરી હતી. આ બનાવ બાદ જામીન જામીન ઉપર છૂટ્યા હતા. બીજી તરફ ફરિયાદી વસીમ પટેલ ગત તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાતે મિત્ર અબરાર સિદ્દીકી સાથે મોટા ભાઇને મળવા માટે એક્ટિવા લઈને જતો હતો. જ્યાં કોઝવે જીલાની બ્રિઝ નીચે રસ્તામાં સહેજાદ અને એઝાઝ મળ્યા હતા અને બેફામ ગાળાગાળી કરીને હત્યાના કેસમાં ઘણા રૂપિયા ખર્ચ કર્યા હોવાનું કહીને આ ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હતી. ઉપરાંત બંનેએ વસીમના ગળે તીક્ષ્ણ ચાકુ મૂકીને રૂ.૫૦ હજારની માંગણી કરીને તેના ખિસ્સામાંથી પાંચ હજાર લૂંટી લીધા હતા. બનાવ બાદ રાંદેર પોલીસે સહેજાદ અને એઝાઝ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.





