Latest news : બલેશ્વર ગામેથી એક જુના ગોડાઉનમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ યુવકો ઝડપાયા

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં આવેલ એસીયન પેન્ટ્સના જુના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે દારૂ મંગાવનાર અને દારૂ ભરી આપનાર ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે રૂપિયા ૧૪.૨૬ લાખનો મુદામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લોની ટીમ તારીખ ૦૨/૦૭/૨૦૨૫ નાંરોજ સુરત જીલ્લા વિસ્તારમાં પ્રોહી. તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે, બલેશ્વર ગામની સીમમા આવેલ એસીયન પેન્ટ્સના જુના ગોડાઉનમા કેટલાક ઇસમો દારૂનો જથ્થો મંગાવી બીજા વાહનોમાં સગેવગે કરી રહેલ છે. તેવી ચોક્કસ બાતમીનાં આધારે જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લોની ટીમના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી ગોડાઉનમાં પોલીસ રેઈડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂની કૂલ ૧,૮૪૮ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૫,૦૮,૧૨૮/- હતી અને ત્રણ ઈસમો જેમાં શંકર પંચમસીંગ યાદવ (ઉ.વ.૨૨., રહે.કડોદરા, શાંતિનગર રામભાઈ ભરવાડની ચાલ, પલસાણા, સુરત., મૂળ રહે.બિહાર), સમાધાન સુખદેવ ચૌધરી (રહે.ઝાડી ગામ, માલેગાવ, નાશિક, મહારાષ્ટ્ર) અને મનીષ મનોજ યાદવ (રહે.વાપી આટીયા વાડ રમણભાઈની ચાલ, મૂળ રહે.બિહાર)નાઓ હાજર મળી આવ્યા હતા.

ત્યારબાદ પોલીસે તેમને સાથે રાખી ગોડાઉન તથા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા બે ફોર વ્હીલ કાર જેમાં સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર એમએચ/૧૫/એચયુ/૪૫૭૩માં ૫,00,૦૦૦/- વિદેશી દારૂ તથા બીજી ઈકો કાર નંબર જીજે/૧૬/બીજી/૪૮૧૬માં ૪,00,૦૦૦/-ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો બારડોલીનાં તેન ગામનાં સોનુ યાદવે મંગાવ્યો હતો જયારે માલ આપનાર દમણ ખાતેના લાલુ અને રાજુ નાંઓ હોવાનું જાણવા મળ્યું હતું. આમ, પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો, બે ફોર વ્હીલ કાર, ચાર નંગ મોબઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કૂલ રૂપિયા ૧૪,૨૬,૪૮૮/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ કામે દારૂ મંગાવનાર તેન ગામના ઈસમ અને દારૂ ભરી આપનાર દમણ ખાતેના બે ઈસમો મળી ત્રણ જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!