Liquor : ચીખલી ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

નવસારી જિલ્લા એલસીબી પોલીસે ચીખલી હાઈવે રોડ ઉપર દારૂ ભરેલી કારનો પીછો કરતા ખેપિયાએ તેની કાર ટાંકલ-દેગામ રોડના મીણકચ્છ ગામ પાસે કારને ઝાડ સાથે ભટકાવી દીધી હતી. જે બાદ તે નાસી છૂટ્યો હતો. જ્યારે પોલીસે કારમાંથી રૂપિયા ૨.૬૨ લાખનો દારૂ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા એલસીબી પોલીસના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો તે વખતે તેને બાતમી મળી હતી કે, દમણથી મારુતિ સ્વિફ્ટ કારમાં જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે એલસીબી સ્ટાફે ચીખલી ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરી હતી. આ સમયે બાતમીના વર્ણન વાળી સ્વિફ્ટ કાર આવી પહોંચતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ વખતે કારના ચાલકે તેના કબજાની કારને પૂરઝડપે હંકારી મૂકી હતી. જેને લઈને એલસીબીની ટીમે સરકારી વાહનમાં પીછો કરતા રોડ ઉપર ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જોકે ખેપિયોએ કારને ટાંકલ-દેગામ રોડ ઉપર મીણકચ્છ ગામ પાસે યુ-ટર્ન મારતી વખતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને પોલીસ આવે તે પહેલા ખેપિયો કારને મૂકી ખેતરાડીના રસ્તે નાસી છૂટ્યો હતો. એલસીબીની ટીમે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૯૪૮ (કિંમત રૂ. ૨,૬૨,૫૬૦) મળી આવી હતી. પોલીસે ઈંગ્લિશ દારૂ અને કાર મળી રૂપિયા ૬,૬૨,૫૬૦નો મુદ્દામાલ કબજે કરી તેના ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે ચીખલી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!