કામરેજ તાલુકાની સીમમાં મુંબઈથી અમદાવાદ જતી નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. નવાગામની સીમમાં મનીષા હોટલ સામે એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે રસ્તે ચાલતા આશરે ૫૫ વર્ષના એક અજાણ્યા પુરુષને અડફેટે લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે ગયા ગુરુવારે, ૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૦૭:૩૦ વાગ્યે આ અકસ્માત થયો હતો. પુરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારી લાવતા ચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે પ્રોઢને માથાના પાછળના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક પોતાનું વાહન લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બે દિવસની ટૂંકી સારવાર બાદ શનિવારે (૭ માર્ચ ૨૦૨૬) મોડી રાત્રે ૦૧:૩૦ વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ મામલે નવાગામના રહેવાસી રોનકભાઈ મનહરભાઈ ચીસલાએ ફરિયાદ નોંધાવી છે.





