Local News : પલસાણા ગામની સીમમાંથી પસાર થતો ભારતમાલા એક્સપ્રેસ-વે પર અકસ્માત: આઈસર ટેમ્પો પાછળથી અથડાતા ક્લીનરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

સુરતના પલસાણા ગામની સીમમાંથી પસાર થતો ભારતમાલા એક્સપ્રેસ-વે (NE-4) પર મંગળવારની મોડી રાત્રે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે જઈ રહેલા આઈસર ટેમ્પોના ચાલકે આગળ ચાલતા અજાણ્યા વાહન પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાવતા, કેબિનમાં સુતેલા ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર ખાતે ‘શ્રી અશોકા રોડવેજ’ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અજીતકુમાર અશોકકુમાર સિંધની માલિકીનો આઈસર ટેમ્પો ગત તા. ૦૩/૦૩/૨૦૨૬  ના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ કેમિકલના ડ્રમ ભરીને ભીવંડી (મહારાષ્ટ્ર) જવા નીકળ્યો હતો. આ ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે મંગલા રામધની યાદવ અને ક્લીનર તરીકે વિજયકુમાર છોટેલાલ બિંદ સવાર હતા.રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં, જ્યારે ટેમ્પો એનાગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ડ્રાઈવર મંગલા યાદવે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ઓવરટેક કરવાની લ્હાયમાં તેણે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનના પાછળના ભાગે ટેમ્પો જોરદાર રીતે અથડાવી દીધો હતો.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોની ક્લીનર સાઈડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બાજુમાં સુતેલા વિજયકુમાર છોટેલાલ બિંદ (રહે.નેવાદા કાજી, ઉત્તરપ્રદેશ) ને પેટ, કમર અને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર મંગલા યાદવને પણ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, તેને સારવાર માટે પલસાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા જ ટ્રાન્સપોર્ટ માલિક અજીતકુમાર સિંધ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પલસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!