અંકલેશ્વર શહેરના જૂના બોરભાઠા વિસ્તારમાં રાત્રિના સમયે જૂની અદાવત અને બદનામી કરવાના વહેમમાં ત્રણ ભાઈઓએ ભેગા મળી એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી હરેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, તારીખ ૦૫/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે તેઓ તેમના ભાઈઓ અને મિત્રો સાથે ઘર પાસે ઉભા હતા. તે સમયે નશાની હાલતમાં સુનિલભાઈ છગનભાઈ રાઠોડ ત્યાં આવી ચઢ્યો હતો. સુનિલે ‘તમે મને આનંદના કારણે કેમ બદનામ કરો છો?’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઝઘડો વધતા સુનિલના અન્ય બે ભાઈઓ અજય અને વિશાલ પણ ત્યાં દોડી આવ્યા હતા.
આ દરમિયાન સુનિલે અંકિત નામના યુવકને ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વચ્ચે છોડાવવા પડેલા કમલેશભાઈને કાનના ભાગે ચપ્પુ વાગી જતા લોહીલુહાણ થયા હતા. આરોપીઓએ ફરિયાદી અને અન્ય સાહેદોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ ૧૧૨ પોલીસ વાન આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ (૧) સુનિલભાઈ છગનભાઈ રાઠોડ (૨) અજયભાઈ છગનભાઈ રાઠોડ (૩) વિશાલભાઈ છગનભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.




