Local News: નવસારીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવા ગયેલી પાલિકાની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ: બે સામે ગુનો નોંધાયો

નવસારી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહેલી નવસારી મહાનગરપાલિકાની એન્ફોર્સમેન્ટ ટીમ પર હુમલાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઈ છે. વિરાવળ એ.પી.એમ.સી. માર્કેટમાં પ્લાસ્ટિકનો જથ્થો પકડવા ગયેલા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પર આરોપીઓએ ઇકો કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ગઈકાલે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે પાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વિશાલભાઈ કિશનભાઈ રાઠોડ અને તેમની ટીમ વિરાવળ એ.પી.એમ.સી. માર્કેટમાં તપાસમાં હતી. તપાસ દરમિયાન ‘લક્ષ્ય પ્લાસ્ટિક’ નામની દુકાન પાસે ઉભેલી એક ગ્રે કલરની ઇકો કાર નંબર GJ-21-CA-0502 માં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.ટીમ જ્યારે આ જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરી રહી હતી, ત્યારે આરોપી અલ્પેશભાઈ નાકરાણી અને દર્શિત અલ્પેશભાઈ નાકરાણી (રહે.જલાલપોર) એ ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું. આરોપી અલ્પેશભાઈએ ભાગવા માટે પોતાની ઇકો કાર પાલિકાની ટીમ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ટીમનો બચાવ થયો હતો. ત્યારબાદ આરોપીઓ “પ્લાસ્ટિક જમા કરાવવાના નથી, થાય તે કરી લો” તેવી ધમકી આપી પ્લાસ્ટિક ભરેલી ગાડી લઈ નાસી છૂટ્યા હતા.આ મામલે વિશાલભાઈ રાઠોડની ફરિયાદના આધારે નવસારી રૂરલ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!