તાપી જિલ્લામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે નિઝર પોલીસે બાતમીના આધારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળના ગુનામાં સંડોવાયેલ આ આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.

નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. વિઠ્ઠલપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વેલદા ટાંકી વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પ્રોહીબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી વીકી ઉર્ફે વિકી વડર રવિભાઈ વડર રહે,ખાપરગાવ સિમ્પીંગલી, તા.અક્કલકુવા, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) ને દબોચી લીધો હતો.





