સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામે ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણી લોહિયાળ સાબિત થઈ છે. રાધિકા રેસીડેન્સીમાં રહેતા એક પરિવાર પર પાડોશમાં રહેતા સાત જેટલા શખ્સોએ હુમલો કરી, ૧૮ વર્ષીય યુવકને કાચના ટુકડા વડે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, કારેલી ગામે આવેલી રાધિકા રેસીડેન્સીમાં રહેતા રામકુમાર પલ્ટુરામ બિંદ અને તેમનો પરિવાર ગત તારીખ ૦૪/૦૩/૨૦૨૬ના રોજ બપોરના સમયે ઘરની બહાર ધુળેટી રમી રહ્યો હતો. આ સમયે આર્યા રેસીડેન્સીમાં રહેતો રાજેન્દ્ર જગન્નાથ નિકમ ત્યાં આવી પરિવારના સભ્યો વચ્ચે નાચવા લાગ્યો હતો. ફરિયાદીના ભાઈ રાજકુમારે તેને કેમ વચ્ચે નાચે છે તેમ પૂછતા મામલો બિચક્યો હતો. રાજેન્દ્રએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરતા રાજકુમારે તેને ધક્કો માર્યો હતો, જેના કારણે રાજેન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આ બનાવની કિન્નાખોરી રાખી થોડીવાર પછી રાજેન્દ્ર નિકમ તેના અન્ય સાથીદારો પવન બડગુજ્જર, દીપાલીબેન, સંગીતાબેન, સપનાબેન, દર્શન ઉર્ફે ગોલુ અને ગોકુલ ચૌધરી સાથે ફરિયાદીના ઘરે ધસી આવ્યો હતો. આ ટોળાએ પરિવાર સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન પવન નામના શખ્સે બારીનો કાચ તોડી તેનો ટુકડો હાથમાં લીધો હતો. અન્ય આરોપીઓએ ‘આજે આ તમામને જાનથી મારી નાખો’ તેવી ઉશ્કેરણી કરતા, રાજેન્દ્ર અને દર્શન ચૌધરીએ રાજકુમારને પકડી રાખ્યો હતો અને પવને તેના જમણા હાથના કાંડા પર કાચનો ટુકડો જોરથી મારી દીધો હતો.લોહીલુહાણ હાલતમાં રાજકુમારને તાત્કાલિક ૧૦૮ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે રામકુમાર બિંદે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





