Local News : નવસારીના ડાભેલ ગામમાં ગૌવંશની ક્રૂર હત્યા: મરોલી પોલીસનો દરોડો, આરોપીઓ ફરાર

જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ખેતરની પાછળ ગૌવંશની કતલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મરોલી પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ઘટનાસ્થળેથી બે ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા, જ્યારે અંધારાનો લાભ લઈને બે શખ્સો નાસી છૂટ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે મરોલી પોલીસને બાતમી મળી હતી કે ડાભેલ ગામના પાદર ફળિયા પાછળ આવેલા ખેતરમાં પૂર્વ ગુનાઓમાં સંડોવાયેલ મહમદ ઉર્ફે ડુમ ઉસ્માન એકલવાયા અને અન્ય એક અજાણ્યો શખ્સ ગૌવંશની કતલ કરી રહ્યા છે. પોલીસ કાફલાએ રાત્રિના સમયે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી લોહીલુહાણ હાલતમાં બે ગૌવંશના અંગો અને ચામડી મળી આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ ગૌવંશની કિંમત રૂ.૧૨ હજાર જેટલી થાય છે. વેટરનરી ઓફિસર ડૉ. નિકુંજ પટેલને સ્થળ પર બોલાવી માંસના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને એફ.એસ.એલ. સુરત ખાતે પરીક્ષણ માટે મોકલાયા છે. જેસીબી મશીન અને મીઠાની મદદથી ગૌવંશના અંગોને જમીનમાં દાટીને સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો હતો. આ મામલે મરોલી પોલીસે વિવિધ કલમો હેઠળ મહમદ ઉર્ફે ડુમ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!