વાલીયા-નેત્રંગ રોડ પર એકલવ્ય મોડેલ સ્કૂલના ગેટ સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર જોખમી રીતે ઉભેલી ઇક્કો ગાડી પાછળ સ્વીફ્ટ કાર ભટકાતા કારમાં સવાર એક વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ફાલ્ગુનીબેન સક્સેના તેમના માતા સવિતાબેન પરમાર અને ભાઈ યોગેશભાઈ સાથે સ્વીફ્ટ કાર નંબર જીજે/૧૬/એફબી/૦૯૫૬ લઈને દેવમોગરા મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે સાંજે વાલીયા નજીક રૂપનગર SRP ગ્રુપ પાસે આ અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં સફેદ પટ્ટાની અંદરના ભાગે ઇક્કો ગાડી નંબર જીજે/૧૬/ડીએસ/૮૨૯૫ તેના ચાલકે કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે સિગ્નલ ચાલુ રાખ્યા વગર ઉભી રાખી હતી. અચાનક સામે આવેલી આ ગાડી પાછળ સ્વીફ્ટ કાર અથડાતા કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં કારમાં બેઠેલા ૬૩ વર્ષીય સવિતાબેન પરમારને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે કાર ચલાવી રહેલા યોગેશભાઈને હાથે ફ્રેક્ચર અને ફાલ્ગુનીબેનને માથામાં ટાંકા આવ્યા છે.વાલીયા પોલીસે આ મામલે ઇક્કો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





