કામરેજ સ્ટેશન વિસ્તારમાં આવતા એક્સપ્રેસ હાઈવે પરથી પશુઓ પ્રત્યે ઘાતકીપણું દાખવી ગેરકાયદેસર હેરાફેરી કરતા એક ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ.૭.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે શનિવાર સવારે ગૌરક્ષક દ્વારા કંટ્રોલ રૂમમાં મળેલી બાતમીના આધારે પોલીસે દિગસ ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે/૨૪/વી/૯૦૧૨ અટકાવવામાં આવ્યો હતો. ટ્રકની પાછળના ભાગે તાડપત્રી ઢાંકીને અત્યંત ખીચોખીચ હાલતમાં, ઘાસચારા કે પાણીની સુવિધા વગર ૧૬ ભેંસો ભરેલી જોવા મળી હતી. ટૂંકી દોરડીએ બાંધેલી આ ભેંસો પૈકી એક ભેંસનું ગૂંગળામણ અથવા ક્રૂરતાને કારણે મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલક આરિફખાન ઇસ્માઇલખાન પઠાણ અને ક્લીનર ફારુકમિયા યાસિનમિયા કાઝી (બંને રહે. સિધ્ધપુર, જી. પાટણ) ની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ પશુઓ આણંદના ભાલેજથી નબીરસુલ નામના વ્યક્તિએ ભરાવી આપ્યા હતા અને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે મોકલવાના હતા.આ મામલે પોલીસે ૧૬ ભેંસો,ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કામરેજ પોલીસે પકડાયેલા બંને આરોપીઓ અને વોન્ટેડ આરોપી નબીરસુલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





