બારડોલી તાલુકાના મસાડ ગામે એક નિવૃત ખેડૂતના બંધ ઘરના કંપાઉન્ડમાંથી અજાણ્યા તસ્કરો ૩૬,૦૦૦ રૂપિયાની કિંમતનો ઇલેક્ટ્રિક ડાયનેમો (અલ્ટરનેટર) ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે બારડોલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી ઉમેશભાઈ છીબાભાઈ પટેલ (ઉ.વ.૬૭), જેઓ હાલ બારડોલીના શાસ્ત્રી રોડ પર રહે છે, તેમનું મૂળ વતન મસાડ ગામ છે. મસાડ ગામે તેમના ઘરના કંપાઉન્ડમાં પતરાના શેડ નીચે ખેતીકામમાં વપરાતો સી.જી. બ્રાન્ડ કંપનીનો ૧૦ કે.વી.એ. થ્રી ફેઝ ડાયનેમો (અલ્ટરનેટર) મુકેલો હતો. ગત તારીખ ૦૬/૦૩/૨૦૨૬ થી ૦૯/૦૩/૨૦૨૬ દરમિયાન જ્યારે ફરિયાદી તેમના ઘરે હાજર નહોતા, ત્યારે કોઈ અજાણ્યો ચોર ઈસમ તાર ફેન્સિંગ કુંદાવી કંપાઉન્ડમાં પ્રવેશ્યો હતો. તસ્કરે લોખંડની ચેસીસ સાથે જોડેલા આ ડાયનેમોના નટ-બોલ્ટ તોડી તેની ચોરી કરી હતી.ફરિયાદી જ્યારે ૯મી માર્ચના રોજ સવારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને ડાયનેમો ગાયબ જણાયો હતો અને નીચે નટ-બોલ્ટ તથા એમ.સી.બી. તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે બારડોલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.





