સુરત જિલ્લા એલસીબીએ મહુવા ગામની સીમમાં ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક સફેદ રંગની મારૂતિ ઈકો કાર ઝડપી પાડી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કાર ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધીક્ષક રાજેશ ગઢિયાની સૂચના હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી.ની ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ અરવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈને બાતમી મળી હતી કે, એક ઈકો કાર નંબર જીજે/૧૯/બીએ/૪૪૪૧ કરચેલીયા રોડથી મહુવા તરફ દારૂ ભરીને આવી રહી છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે મિયાપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરતા ચાલક પોતાની કાર મહુવા પૂર્ણા નદીના જૂના બ્રિજ પાસે મૂકીને નાસી ગયો હતો. આ મામલે પોલીસે ઇક્કો કારમાંથી વિદેશી દારૂની બોટલો-૧૨૨૪ નંગ જેની કિંમત રૂ.૩,૦૮,૬૪૦/-,મારૂતિ ઈકો કારની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૭,૦૮,૬૪૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરી એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળ, પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ. એલ.જી. રાઠોડ, પી.એસ.આઈ. એચ.સી. મસાણી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ પોલીસે નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





