ઓલપાડના અંભેટા ગામે ખેતરમાં પાણી વાળવા જેવી સામાન્ય બાબતે એક ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે. નહેરનું પાણી બંધ કરી દેવા બાબતે થયેલી બોલાચાલીમાં આરોપીએ ખેડૂતને મુક્કા મારી અને ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના ઓલપાડ તાલુકાના અંભેટા ગામે રહેતા ૫૬ વર્ષીય ખેડૂત કમલેશભાઇ ઇશ્વરભાઇ પટેલ ગત મંગળવારે (તા.૩ માર્ચે ) સાંજે પોતાના ખેતરમાં ડાંગરના પાકને પાણી પાઈ રહ્યા હતા. તે દરમિયાન ભેંસાણ ગામના રહેવાસી ભદ્રેશકુમાર રમેશભાઇ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા.આરોપી ભદ્રેશકુમારે કમલેશભાઇના ખેતરમાં જતું નહેરનું પાણી બંધ કરી પોતાના ખેતરમાં વાળી દીધું હતું. જ્યારે કમલેશભાઇએ વિનંતી કરી કે, “હજુ બે કલાક મારા ખેતરમાં પાણી ચાલવા દો, ત્યારબાદ તમે પાણી વાળજો,” ત્યારે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.ફરિયાદ મુજબ, આરોપી ભદ્રેશકુમારે ગંદી ગાળો આપી કમલેશભાઇ સાથે ઝઘડો કર્યો હતો અને તેમના ચહેરા પર આડેધડ મુક્કા માર્યા હતા, જેના કારણે તેમને આંખ નીચે સોજો આવી ગયો હતો. એટલું જ નહીં, આરોપીએ કમલેશભાઇનું ગળું દબાવી દઈ ધમકી આપી હતી કે, “જો હવે પછી પાણી બાબતે બોલશે તો તને જાનથી મારી નાખીશ”. ઇજાગ્રસ્ત ખેડૂતે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ મોડી રાત્રે ઓલપાડ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.





