Local News: હથોડા ગામમાં ગૌ-હત્યાની શંકાએ તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર જીવલેણ હુમલો: ૪૧ સામે ગુનો દાખલ

સુરત: માંગરોળ તાલુકાના હથોડા ગામની સીમમાં ગૌ-હત્યાની બાતમીના આધારે તપાસ કરવા ગયેલી કોસંબા પોલીસ અને જી.આર.ડી.ની ટીમ પર સ્થાનિક ટોળાએ લોખંડની પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને બાતમીદારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ૨૫ ફેબ્રુઆરીની રાત્રે પાલોદ આઉટ પોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ જાળીયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે હથોડા ગામની સીમમાં ખેતરાડી વિસ્તારમાં ગૌ-હત્યા થઈ રહી છે. બાતમીદાર સત્યપ્રકાશ યાદવને સાથે રાખી પોલીસ ટીમ જ્યારે રાત્રિના સમયે તપાસ કરવા પહોંચી, ત્યારે ગામના કેટલાક શખ્સોએ ત્યાં આવીને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવી રહી હતી ત્યારે આરોપીઓએ ફોન કરીને ગામમાંથી ૫૦થી વધુ લોકોનું ટોળું બોલાવી લીધું હતું. આ ટોળાએ “આજે પોલીસને જીવતા જવા દેવા નથી” તેવી બૂમો પાડી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પી.સી.આર. વાહનને પણ ઘેરી લઈ પોલીસને સારવાર માટે જતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોન્સ્ટેબલ ગોવિંદસિંહને હુમલામાં તેમના જમણા હાથે લોખંડની પાઇપ વાગવાથી ઈજા થઈ છે.જયારે સત્યપ્રકાશ યાદવ-બાતમીદારને માથાના ભાગે પાઇપ અને લાકડીના ફટકા વાગતા ગંભીર ઈજા થઈ છે, હાલ તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે કોસંબા પોલીસે ઉસ્માન મીર્ઝા ઉર્ફે ઉસ્સુ, સઈદ સરદાર, આસીફ ફફડો સહિત કુલ ૩૭ નામજોગ અને અન્ય ૧૦ થી ૧૫ અજાણ્યા ઇસમો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, અને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ જેવી ગંભીર કલમોનો સમાવેશ થાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એલ. ખાચર આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!