મહુવા તાલુકાના ખરવણ ગામે અભ્યાસ જેવી બાબતે પિતાએ ઉશ્કેરાઈ જઈ પોતાની સગી પુત્રી અને પત્ની પર લાકડાના ફટકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી પુત્રી પિતાના પલંગ પર બેસીને વાંચતી હોવાથી રોષે ભરાયેલા પિતાએ આ હિંસક કૃત્ય આચર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખરવણ ગામના જોષી ફળિયામાં રહેતા અને સ્કૂલવાન ચલાવતા મહેન્દ્રભાઈ છોટુભાઈ જોષી ગુરુવારે સાંજે ઘરે આવ્યા ત્યારે તેમની ૧૬ વર્ષીય પુત્રી પિતાના પલંગ પર બેસીને અભ્યાસ કરી રહી હતી. પુત્રીને પોતાના પલંગ પર બેસેલી જોઈ મહેન્દ્રભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને “તને અભ્યાસ કરવા માટે બીજી જગ્યા નથી મળતી?” તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા.જ્યારે માતા હીનાબેને વચ્ચે પડીને પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો કે “દીકરીની બોર્ડની પરીક્ષા ચાલે છે, તેને શું કામ ગાળો આપો છો?”, ત્યારે ઉશ્કેરાયેલા પતિએ હીનાબેન સાથે ઝઘડો કરી ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. એટલું જ નહીં, ઘરમાં પડેલા લાકડાના ફટકા વડે હીનાબેનના માથાના ભાગે ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. પિતાના મારથી માતાને બચાવવા વચ્ચે આવેલી પુત્રીને પણ પિતાએ લાકડાના ફટકા વડે જમણા હાથના કાંડા પર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બુમાબુમ થતા પડોશમાં રહેતા જેઠ નરેન્દ્રભાઈ દોડી આવ્યા હતા અને વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત માતા-પુત્રીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મહુવા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પુત્રીને રજા અપાઈ હતી, જ્યારે હીનાબેનને માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.આ મામલે હીનાબેને પોતાના પતિ મહેન્દ્રભાઈ જોષી વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





