નવસારી જિલ્લાની ગણદેવી પોલીસે બાતમીના આધારે ઓટો રિક્ષામાં ચોરખાનું બનાવી દમણથી સુરત લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.62,000/- નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની અટકાયત કરી છે.
મળતી માહિતી પ્રમાણે ગણદેવી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશભાઈ શંકરભાઈ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે દમણથી એક રિક્ષા નંબર GJ-05-VV-7578માં દારૂ ભરીને ગણદેવી થઈ નવસારી તરફ જવાની છે. આ બાતમીના આધારે પોલીસે અવસરવીલા સોસાયટીના નાકા પાસે નાકાબંધી કરી હતી. શંકાસ્પદ રિક્ષાને રોકીને તપાસ કરતા, પાછળની સીટની નીચે બનાવેલા ખાસ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 72 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.12,000/- થાય છે. પોલીસે દારૂ અને રૂ.50,000/-ની કિંમતની રિક્ષા મળી કુલ રૂ.62,000/- નો મુદ્દામાલ કબજે કરી (1) શૈલેન્દ્રકુમાર રામેશ્વર ચૌધરી (રહે. જહાંગીરપુરા, સુરત) અને (2) અજય ઉર્ફે લાલો મનજીભાઈ બેરડીયા (રહે. અમરોલી, સુરત) ની અટકાયત કરી છે.આ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ દમણની વિવિધ વાઈનશોપ પરથી છૂટક દારૂ ખરીદીને સુરત ખાતે વેચવા જઈ રહ્યા હતા.





