Local News : ઓલપાડના કારેલી ગામેથી ૫૫ કિલો ગાંજા સાથે ઓરિસ્સાની ગેંગ ઝડપાઈ: ૩૦.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના કારોબારને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા “#IStandStrongAgainstDrugs” કેમ્પેઈન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા મળી છે. ઓલપાડ તાલુકાના કારેલી ગામે આવેલી એક રેસીડેન્સીમાં દરોડો પાડી પોલીસે ૫૫.૪૯૩ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત પ્રમાણે સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાની સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. બી.જી. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન એ.એસ.આઈ. જગદીશભાઈ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને બાતમી મળી હતી કે કારેલી ગામની મધુવન રેસીડેન્સીના મકાન નંબર-૧૮૮ માં ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે ગત તા. ૨૩/૦૨/૨૦૨૬ ના રોજ ત્યાં દરોડો પાડી ગેરકાયદેસર માદક પદાર્થ સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.જેમાં (૧) જયસેન તોફાન મહંતી (ઉ.વ. ૨૫) (૨) સુશાંત પ્રફુલ્લા નાયક (ઉ.વ. ૨૬) (૩) અજય ઉર્ફે અજયા નિત્યાનંદ નાયક (ઉ.વ. ૨૫) અને (૪) શ્રીકાંત શીબરામ પલતા (ઉ.વ. ૧૯) ઝડપાયેલા આરોપીઓ (તમામ મૂળ ઓરિસ્સાના),પોલીસે સ્થળ પરથી ગાંજો ૫૫.૪૯૩ કિલોગ્રામ (કિંમત રૂ. ૨૭,૭૪,૬૫૦/-),એક ટાટા ટેમ્પો નંબર જીજે/૦૫/સીયુ/૧૫૩૧ તથા ૬ મોબાઈલ ફોન, રોકડ રકમ અને આધારકાર્ડ મળી કુલ રૂપિયા ૩૦,૩૪,૪૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે ઓરિસ્સાના મુખ્ય સપ્લાયરો રાજેશ ઉર્ફે ગંગુ અને જયસીંગ ટ્રેન મારફતે આ જથ્થો સુરત મોકલતા હતા. સાયણ રેલ્વે ટ્રેક પાસે સિગ્નલ આપીને બેગોની ડિલિવરી લેવામાં આવતી અને ત્યારબાદ ટેમ્પોમાં ભરીને મધુવન રેસીડેન્સીમાં સંગ્રહ કરાતો હતો. પોલીસ હાલ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૭ જેટલા વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!