માંગરોળ તાલુકાના આસોદલા ગામે બકરી પાડોશીના ઘરમાં ઘૂસી અનાજ ખાઈ જવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે કોસંબા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે ફરિયાદી દિલીપભાઈ કાળીદાસભાઈ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 04/03/2026 ના રોજ તેમના કાકાના પુત્ર જયમેશના ઘરમાં પાડોશમાં રહેતા નિશાબેન મુકેશભાઈ વસાવાની બકરી ઘૂસી ગઈ હતી અને ઘઉં-ચોખા ખાઈ ગઈ હતી. આ બાબતે ઠપકો આપવા જતા નિશાબેન અને પ્રકાશભાઈ અર્જુનભાઈએ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કામીનીબેન અને ભારતીબેને દિલીપભાઈ સાથે મારપીટ કરી હતી. આરોપ છે કે મનોજભાઈ મુકેશભાઈ વસાવાએ તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઝપાઝપીમાં દિલીપભાઈની પત્ની જોસનાબેનને ધક્કો મારતા તેમને હાથમાં ઈજા પહોંચી હતી.
જયારે સામા પક્ષે નિશાબેન મુકેશભાઈ વસાવાએ પણ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે બકરી અનાજ ખાઈ જવાના મુદ્દે જયમેશ વસાવાએ ઘરે આવીને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ દિલીપભાઈએ નિશાબેનના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને તેમના ભાઈ મનોજને માર માર્યો હતો. વધુમાં, દિલીપભાઈની પત્ની જોસનાબેન, સાસુ વિનિતાબેન અને દિવ્યાબેને નિશાબેનની માતા સવિતાબેનને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.કોસંબા પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





