કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે સફળતા મેળવી છે. પોલીસ ટેકનીકલ સર્વેલન્સ અને CEIR પોર્ટલની મદદથી ચોરીના મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે.
મળતી વિગતો પ્રમાણે ગત તા. ૦૮/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે કુકરમુંડાના આશ્રવાગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાંથી એક મોબાઈલની ચોરી થઈ હતી. આ અંગે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને તાપી પોલીસ અધિક્ષક જે.એન.દેસાઈની સૂચના મુજબ કુકરમુંડા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે આધુનિક ટેકનોલોજી અને CEIR પોર્ટલનો ઉપયોગ કરી ધરમભાઈ છગનભાઈ પાડવી (ઉ.વ.૩૮, રહે. મોડગામ, તા.તલોદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ.૧૨,૯૯૯/-ની કિંમતનો ઓપો કંપનીનો બ્લ્યુ કલરનો (A5X 5G) મોબાઈલ રિકવર કર્યો છે.જયારે આ ગુનામાં સામેલ સોમનાથભાઈ સંકુભાઈ પાડવી (રહે. તલોદા, મહારાષ્ટ્ર) ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





