નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં.48 પર આમડપોર ગામની હદમાં બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી એક ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સફેદ કલરની કેબીનવાળી ટાટા ટ્રક નંબર GJ-21-Y-9669 માં કાપડના રોલની નીચે છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પોલીસે હસ્તગત કર્યો છે.
શનિવાર, 7 માર્ચ ના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે દમણથી દારૂ ભરી એક ટ્રક સુરત તરફ જઈ રહી છે. પોલીસે વોચ ગોઠવી ટ્રક અટકાવી તપાસ કરતા ઉપરના ભાગે સફેદ કાચા કાપડના રોલ ભરેલા હતા. જોકે, કાપડના રોલ હટાવી નીચે જોતા વિદેશી દારૂની 5 જેટલી પેટીઓ મળી આવી હતી. સ્થળ પરથી 2160 નંગ દારૂ/બીયરની બોટલો જેની કિંમત રૂ.53,2800/- તથા કાપડના રોલ 180 નંગ જેની કિંમત રૂ.24,43,047/- તથા ટાટા ટ્રક અને મોબાઈલ અને તાડપત્રી મળી કુલ રૂ.34,78,847/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક વિનોદભાઈ શ્રીરામસિંગ (રહે.બનારસ, યુ.પી.) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દમણના રીંગણવાડા ખાતેથી ગીતાબેન નામના મહિલાએ આ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સુરત પલસાણા ખાતે મંગાવ્યો હતો.





